આંતર મનની દ્રષ્ટિ હોય તો શારીરિક એટલે કે આંખની દ્રષ્ટિ, રોશની ન હોય તો જીવન જીવી શકાય અને આગળ પણ વધી શકાય છે. તેવું અહીંની એમ.બી કોલેજમાં બીસીએનો અભ્યાસ કરતાં ભાર્ગવ વઘાસીયાએ કરી બતાવ્યું છે. બન્ને આંખમાં રોશની ન હોવા છતાં ભાર્ગવ બીસીએનો અભ્યાસ કરી કોમ્પ્યુટર જોબ કરવા ઇછા ધરાવે છે. હાલ તો કુદરતી કે અન્ય રીતે આવેલી ખામી ધરાવતા લોકો માટે તે પ્રેરણારૂપ બની રહ્યો છે.
અહીંનાં એમબી કોલેજમાં બીસીએમાં અભ્યાસ કરતો ભાર્ગવ મેંદરડા રહે છે. તેના પિતા હરસુખભાઇ વઘાસીયા હાઇસ્કુલમાં પ્રિન્સીપાલ છે. ભાર્ગવને બાળપણથી જ કોમ્પ્યુટર પ્રત્યે લગાવ રહ્યો છે. ધોરણ બાર પાસ કરી એમબી કોલેજના પ્રો. દોમડીયાની મદદથી ગોંડલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો છે. અને માતા પુત્ર બન્ને ગોંડલમાં ભાડાના મકાનમાં રહે છે. રીટાબેન કહે છે ભાર્ગવ દસ વર્ષનો હતો ત્યારથી જ્ઞાનતંતુની નસ સુકાવા લાગતા બન્ને આંખોની દ્રષ્ટિ ચાલી ગઈ. દેશમાં અનેક તબીબો બાદ છેક અમેરિકા, લંડન ફાઈલ મોકલી પણ ભાર્ગવને ફરી દ્રષ્ટિ આપવામાં તબીબ વિજ્ઞાન નિષ્ફળ રહ્યું. ભાર્ગવને કોમ્પ્યુટરનું જ્ઞાન આપનાર મહેન્દ્રભાઈ જગડ પણ પ્રજ્ઞાચક્ષુ છે. ભાર્ગવ કહે છે કે, ભગવાને મને ભલે રોશની નથી આપી પરંતુ જે જ્ઞાન આપ્યું તેના માટે હું કુદરત નો આભારી છું.
ધોરણ ૧૨માં ૯૯.૭૧ રેન્ક મેળવ્યાં હતાં.
ધો. ૧૨માં તેણે ૯૯.૭૧ રેન્ક મેળવી જીલ્લામાં અંધ વિદ્યાર્થીઓમાં તે ફર્સ્ટ રહ્યો હતો. બીસીએના પહેલા સેમેસ્ટરમાં તેણે ૬૪ ટકા મેળવ્યાં છે. એમબીએ કોલેજના બીસીએના લેકચરર ઇસોટીયા તથા પ્રા. આરદેશણા અચંબિત થઇ કહે છે કે કોમ્પ્યુટરની પ્રોગ્રામીંગની ભાષાઓમાં ભાર્ગવ અન્ય વિદ્યાર્થીઓ કરતા અનેકગણો તેજસ્વી છે. સ્પેલીંગમાં તેની ક્યારેય ભુલ થતી નથી. ગ્રેજ્યુએટ થઇ તેને કોમ્પ્યુટર જોબ કરવાની તમન્ના છે.
