માનવી પાસે તીવ્ર ઇચ્છા શક્તિ હોય તો આસમાનનાં તારા પણ તોડી શકે, પંગુમ લંઘયતે ગીરીમ હકીકત છે.
તીવ્ર ઇચ્છા શક્તિ અને હ્રદયની જીજીવિષાનો પ્રેરક દાખલો અત્રેની એમ.બી. કોલેજમાં બીસીએમાં અભ્યાસ કરતો અઢાર વર્ષનો ભાર્ગવ હરસુખભાઇ વઘાસીયા પુરૂ પાડી રહ્યો છે.
બીસીએમાં કોમ્પ્યુટર કોર્સ કરતો ભાર્ગવ પ્રજ્ઞાચક્ષુ છે. છતાં બુલંદ હૌંસલા સાથે ફટાફટ કોમ્પ્યુટર ઓપરેટ કરે છે. ધોરણ 12 ની પરીક્ષામાં ભાર્ગવ અંધ વિધાર્થીઓમાં જુનાગઢ જિલ્લા ફર્સ્ટ રહ્યો છે.
ભાર્ગવ મેંદરડા રહે છે તેના પિતા હરસુખભાઇ વઘાસીયા હાઇસ્કુલમાં પ્રિન્સીપાલ છે. ભાર્ગવને બચપનથી જ કોમ્પ્યુટર પ્રત્યે લગાવ રહ્યો છે.ધોરણ 12 પાસ કરી એમ.બી. કોલેજનાં પ્રા. દોમડીયાની મદદથી ગોંડલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો છે.ભાર્ગવના માતા રીટાબેન પુત્રની ઇચ્છાશક્તિને પુરૂ પ્રોત્સહન બક્ષે છે. હાલ માતા-પુત્ર ગોંડલ ભાડાનાં મકાનમાં રહે છે.રીટાબેન ભાર્ગવને કોલેજ મુકી જાય, જરૂર જણાય તો બેસે પણ ખરા, કોલેજ છુટે એટલે ભાર્ગવને તેડી જાય.ભાર્ગવનાં હોંસલાને મજબુત કરવા માતા રીટાબેન અંધ પુત્રની લાકડી બની મમતાને મહેકાવી રહ્યા છે.
રીટાબેન કહે છે કે ભાર્ગવ 10 વર્ષનો હતો ત્યારથી જ્ઞાનતંતુની નશ સુકાવા લાગતા બન્ને આંખોની દ્રષ્ટી ચાલી ગઇ. દિવસે દિવસે દ્રષ્ટી ઘટતી ગઇ અને ભાર્ગવ અંધ બની ગયો. મોટા મોટા તબીબોને બતાવ્યું, છેક અમેરીકા લંડન ફાઇલ મોકલી પણ ભાર્ગવને ફરી દ્રષ્ટી આપવામાં તબીબી વિજ્ઞાન નિષ્ફળ રહ્યું.
રીટાબેન અને હરસુખાભાઇને સંતાનમાં માત્ર ભાર્ગવ જ છે. ભાર્ગવ લેપટોપનો પણ ઉપયોગ કરે છે. નેટ દ્વારા લંડન રહેતા તેના કાકા સાથે વાતો પણ કરે ભાર્ગવે કોમ્પ્યુટરનું પ્રાથમીક જ્ઞાન જુનાગઢ ખાતે મહેન્દ્રભાઇ જગડ પાસેથી મેળવ્યું. ખુબીની વાત એ છે કે મહેન્દ્રભાઇ પણ પ્રજ્ઞાચક્ષુ છે.
ક્લારૂમમાં તે બીજા વિધ્યાર્થીઓ સાથે સામાન્ય બની ખુશીઓ માણે છે. ભલે અંધ રહ્યો પણ પોતે હવે કોલેજીયન છેઅ સ્ટેટસ મુજબ તે ક્લાસ રૂમમાં બધાંને હળતો મળતો હોય. ધોરણ 12માં ભાર્ગવે 99.71 રેંક મેળવી હતી. જ્યારે બીસીએના પહેલા સેમેસ્ટરમાં 74 ટકા મેળવ્યા છે. એમ.બી.એ. કોલેજનાં બી.સી.એ.ના લેક્ચરર પ્રા. ઇસોટીયા તથા પ્રા. આરદેશણા અચંબીત થઇ કહે છે કે કોમ્પ્યુટરની પ્રોગ્રામીંગ ભાષાઓમાં ભાર્ગવ અન્ય વિધ્યાર્થીઓ કરતાં અનેકગણો તેજસ્વી છે. સ્પેલીંગમાં તેની કયારેય ભુલ થતી નથી.
ગ્રેજ્યુએટ થઇ ભાર્ગવને કોમ્પ્યુટર જોબ કરવાની તમન્ના છે. કંઇક છીનવી ઇશ્વર ઘણું બધું આપે છે. ભાર્ગવ તેનું ઉદાહરણ ગણી શકાય. સૌથી મહત્વની વાત એમ.બી.કોલેજનો સમગ્ર સ્ટાફ ભાર્ગવને પોતીકો ગણી પ્રોત્સાહીત કરે છે.
