મેંદરડાનો પ્રજ્ઞાચક્ષુ યુવાન BCA કરીને બન્યો કોમ્પ્યુટર એક્સપર્ટ

આંખે દેખાતું નહિ હોવા છતાં અથાગ પુરૂષાર્થનું પરિણામ

જુનાગઢ જીલ્લાના મેંદરડામાં શિક્ષક તરીકે નોકરી કરતા હરસુખભાઈ વઘાસીયાનો દીકરો ભાર્ગવ ૧૦ વર્ષનો થયો ત્યારે એની આંખોની રોશની ઓછી થવા લાગી. આંખના નિષ્ણાંત ડોકટરોને બતાવ્યું પણ કોઈ ફેર પડતો નહિ અને ૧૦મા ધોરણમાં આવ્યો ત્યારે સંપૂર્ણ દ્રષ્ટિહીન થઇ ગયો. જો કે, અથાગ પુરૂષાર્થ થકી આજે પ્રજ્ઞાચક્ષુ યુવાન બી.સી.એ.કરીને કમ્પ્યુટર એક્સપર્ટ બની ગયો છે.

પ્રજ્ઞાચક્ષુ ભાર્ગવની દ્રષ્ટિ જતી રહી પણ હિંમત અકબંધ હતી.૧૨મા ધોરણમાં ૯૯.૭૧ PR. સાથે સમગ્ર મેંદરડા કેન્દ્રમાં પ્રથમ આવ્યો. માતા-પિતાને પ્રજ્ઞાચક્ષુ દીકરાની કારકિર્દી અને ભવિષ્યની વધુ ચિંતા હોવાથી આર્ટસ રાખવાનું કહ્યું. પણ તેને તો કોમ્પ્યુટરના અભ્યાસમાં આગળ વધવું હતું.  માતા-પિતાને મનમાં થતું કે. પ્રજ્ઞાચક્ષુ દીકરો કમ્પ્યુટર કેવી રીતે શીખી શકે અને કામ કરી શકે ! પણ દીકરાની ઈચ્છા મુજબ પ્રજ્ઞાચક્ષુણે કમ્પ્યુટર નો ડીગ્રી કોર્સ કરાવે છે. એવી ગોંડલમાં કોલેજ શોધી કાઢી અને બી.સી.એ.નાં કોર્સમાં એડમીશન લીધું. પિતા પોતાની નોકરીને કારણે મેંદરડામાં એકલા રહ્યા અને માતા રીટાબેનને ભાર્ગવ સાથે ગોંડલ મોકલી આપ્યા. તેઓ રોજ દીકરાને કોલેજ લેવા-મુકવા માટે જતાં હતાં.

અંતે બીસીએ નાં ત્રણ વર્ષના અભ્યાસ દરમ્યાન પ્રજ્ઞાચક્ષુ ભાર્ગવે કમ્પ્યુટર સોફ્ટવેર તૈયાર કરવાની બાબતમાં માસ્ટરી મેળવી. આંખે થી દેખાતું ન હોવા છતાં ભાર્ગવે તૈયાર કરેલી મોબાઈલ એપલીકેશન કે વેબસાઈટ  જોઈ સૌ કોઈ પ્રભાવિત થતા. આ સાથે તેને બેંગલુરૂની મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળી અને એકલો બેંગલોર જવા તૈયાર થયો. જે કંપનીમાં જોબ મળી એમાં ભાર્ગવ એકમાત્ર પ્રજ્ઞાચક્ષુ કર્મચારી હતો. દ્રષ્ટિહીન હોવા છતાં પણ કમ્પ્યુટરનું બધું જ કામ કોઈ પણ જાતની ભૂલ વગર કરી શકે છે. બેંગલુરૂમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહે છે. અને જયારે વતનમાં આવવાનું હોય ત્યારે એકલો જ આવે જાય છે. કંપનીમાંથી મળતો પગાર અને પોતાના બીજા વ્યક્તિગત કામ દ્વારા ભાર્ગવ મહીને ૯૦૦૦૦થી પણ વધુ કમાઈ લે છે.

કોમ્પ્યુટર સોફ્ટવેર બનાવવામાં માસ્ટર યુવાનને મળી બેંગલુરૂની મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી