માનવી પાસે તીવ્ર ઇચ્છા શક્તિ હોય તો આસમાનનાં તારા પણ તોડી શકે, પંગુમ લંઘયતે ગીરીમ હકીકત છે. તીવ્ર ઇચ્છા શક્તિ અને હ્રદયની જીજીવિષાનો પ્રેરક દાખલો અત્રેની એમ.બી. કોલેજમાં બીસીએમાં અભ્યાસ કરતો અઢાર વર્ષનો ભાર્ગવ હરસુખભાઇ વઘાસીયા પુરૂ પાડી રહ્યો છે.
બીસીએમાં કોમ્પ્યુટર કોર્સ કરતો ભાર્ગવ અંધ છે. બન્ને આંખોમાં કાળુ અંધારૂ છે. છતાં બુલંદ હોંસલા સાથે ફટાફટ કોમ્પ્યુટર ઓપરેટ કરે છે. ધોરણ 12 ની પરીક્ષામાં ભાર્ગવ અંધ વિધાર્થીઓમાં જુનાગઢ જિલ્લા ફર્સ્ટ રહ્યો છે.
ભાર્ગવ મેંદરડા રહે છે તેના પિતા હરસુખભાઇ વઘાસીયા હાઇસ્કુલમાં પ્રિન્સીપાલ છે. ભાર્ગવને બચપનથી જ કોમ્પ્યુટર પ્રત્યે લગાવ રહ્યો છે.ધોરણ 12 પાસ કરી એમ.બી. કોલેજનાં પ્રા. દોમડીયાની મદદથી ગોંડલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો છે.ભાર્ગવના માતા રીટાબેન પુત્રની ઇચ્છાશક્તિને પુરૂ પ્રોત્સહન બક્ષે છે.
હાલ માતા-પુત્ર ગોંડલ ભાડાનાં મકાનમાં રહે છે.રીટાબેન ભાર્ગવને કોલેજ મુકી જાય, જરૂર જણાય તો બેસે પણ ખરા, કોલેજ છુટે એટલે ભાર્ગવને તેડી જાય.ભાર્ગવનાં હૌંસલાને મજબુત કરવા માતા રીટાબેન અંધ પુત્રની લાકડી બની મમતાને મહેકાવી રહ્યા છે. રીટાબેન કહે છે કે ભાર્ગવ 10 વર્ષનો હતો ત્યારથી જ્ઞાનતંતુની નશ સુકાવા લાગતા બન્ને આંખોની દ્રષ્ટી ચાલી ગઇ. દિવસે દિવસે દ્રષ્ટી ઘટતી ગઇ અને ભાર્ગવ અંધ બની ગયો. મોટા મોટા તબીબોને બતાવ્યું, છેક અમેરીકા લંડન ફાઇલ મોકલી પણ ભાર્ગવને ફરી દ્રષ્ટી આપવામાં તબીબી વિજ્ઞાન નિષ્ફળ રહ્યું. ભાર્ગવ લેપટોપનો પણ ઉપયોગ કરે છે. નેટ દ્વારા લંડન રહેતા તેના કાકા સાથે વાતો પણ કરે ભાર્ગવે કોમ્પ્યુટરનું પ્રાથમીક જ્ઞાન જુનાગઢ ખાતે મહેન્દ્રભાઇ જગડ પાસેથી મેળવ્યું. ખુબીની વાત એ છે કે મહેન્દ્રભાઇ પણ આંખે અંધ છે. ભાર્ગવને અંધાપાનો કોઇ અફસોસ નથી.
